Thursday, September 4, 2008

‘દાખલા’રૂપ શિક્ષક

દિવ્યેશ વ્યાસનો આ દિવ્ય ભાસ્કરનો લેખ સ્પર્શી ગયો.. એક કારણ એ ખરું કે આ એ જ નિઃસ્વાર્થ મમતાળુ પ્રોફેસર છે, જેમની સાથે ગણિત-ગમ્મતો કરવાનો, શીખવાનો મને મોકો મળ્યો. આ એ સર છે; જેમને લીધે મને વિક્ર્મ સારાભાઈ સેન્ટરમાં સેવા કરવાનું મન થયેલું ને તેની બધી પ્રાવેશિક પરીક્ષાઓ પણ સફળતાપૂર્વક પસાર કરેલી; આ એ જ સર છે, જેમને મળવાના બહાના હેઠળ શહેરની સૌથી કડક કૉલેજ ઝેવિયર્સમાં લૅકસર બંક કરતા! કૉલેજના કોઈ પ્રોફેસર કયારેય કોઈ જાતની માથાકૂટમાં ના પડે, બસ રાવસાહેબનું નામ કાફી હતું; હાવિ થઈ જતું; એવું હૅવિ આ નામ!

એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતમાં દર વર્ષે ભરાતા ગણિત અધિવેશનમાં એક કાર્યક્રમ હોઈ છે પઝલ્સનો. જેમાં ગુજરાતભરના ગણિતના શિક્ષકો, પ્રાધ્યાપકો અને ગણિતના તમામ રસિયાઓને પહેલા દિવસે અપાયેલ ગાણિતિક કોયડાઓ ઉકેલે. એક ભૂમિતિનો કૂટપ્રશ્ન હતો, જેમનો ઉકેલ કોઇ પાસે ન્હોતો.. છેલ્લે, રાવસાહેબને આ ઉકેલવા વિનંતી કરવામાં આવી. સાહેબ! આ ઘરડા ડોસાએ સહજતાથી, સ્ફૂર્તિપૂર્વક એ કોયડાના અલગ-અલગ ૪-૫ ઉકેલ બોર્ડ પર સમજાવી બતાવ્યા!! આ પરિષદમાં ગણિતના તમામ ખાં સાહેબો અમારી આજુ-બાજુ બેઠેલાં હતાં, એટલે એવું ના માનશો કે ગામ ઉજ્જડ હતું!

સલામ સાહેબ તમને, તમારા આ અદના વિધ્યાર્થીની. ઘણું જીવો! તમારો શતાબ્દી મહોત્સવ ઉજવવાનું કોઈને સૂઝે અને એમાં મારા તરફથી શક્ય એટલી મદદ થશે તો કદાચ 'બે સેન્ટ' ઋણ ચૂકવાશે.